વિદ્યાર્થી જીવન
(વિદ્યાર્થી પોતે જ પોતાના ભવિષ્યનું નિર્માણ કરે.)
વિદ્યાર્થી જીવન, જીવનનો સુવર્ણકાળ છે. Student life is the Golden period of life. કંઈક શીખવાનો, કંઈક જાણવાનો, કંઈક બનવાનો સતત પ્રયાસ આ જ સમયમાં જ થાય છે. એક વિદ્યાર્થીનાં ક્યાં લક્ષણો હોય છે, તે નીચેનાં શ્લોકમાં આપવામાં આવ્યાં છે.
કાકચેષ્ટા બકધ્યાનં શ્વાનનિદ્રા તથૈવ ચ/
અલ્પાહારી ગૃહત્યાગી વિદ્યાર્થી પંચલક્ષણમ્//
[1] કાક ચેષ્ટા = કાગડો દૂર આકાશમાં સ્વચ્છંદપણે ઊડતો હોવા છતાંય તેની તીવ્ર દ્રષ્ટિ દ્વારા જમીન પર પડેલાં કોઈ ખાદ્ય પદાર્થને જોઈને ચપળતાપૂર્વક ત્યાં પહોંચી જાય છે તથા પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લે છે. તેવી રીતે વિદ્યાર્થી જ્ઞાનની પ્રાપ્તિ માટે તીવ્ર જીજ્ઞાસા રાખે તથા પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરતો જાય.
[2] બકધ્યાનં = બગલો તળાવ કે નદીકિનારે એક પગ પર ઊભો રહી ધ્યાન મગ્ન રહે છે. માછલી દેખાતાં તરત જ તેને પોતાનો કોળીયો બનાવી ફરી ધ્યાનસ્થ થઈ જાય છે. વિદ્યાર્થી પણ વિદ્યા અધ્યયનમાં લાગી રહે તથા જ્ઞાન-વિજ્ઞાનની વાતોને ગ્રહણ કરતો રહી નિરંતર પ્રગતિપથ પર વધતો રહે.
[3] શ્વાન નિદ્રા = જેવી રીતે સૂતેલાં કૂતરાં પાસેથી ધીમેથી પસાર થવાં છતાં પણ તે જાગી જાય છે, તેવી રીતે વિદ્યાર્થી પણ પોતાના જીવન લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સદાય સાવધાન અને જાગરૂક રહે. તેની ઊંધ સાત્વિક છે.
[4] અલ્પાહારી = વિદ્યાર્થી જીવન સાધના અને તપશ્ચર્યાનું જીવન છે. એક અધ્યયનશીલ વિદ્યાર્થી સદાય સાદો – સાત્વિક અને અલ્પ ભોજન લેનારો છે. તામસિક, રાજસિક અને વધારે આહાર લેનાર વિદ્યાર્થીની જીવનશક્તિનો મોટો ભોગ ભોજન પચાવવામાં, ઊંઘ, આળસ અને તન-મનની બીમારીઓનો સામનો કરવામાં જ ખર્ચાઈ જાય છે. વિદ્યાર્થી જેએવનની સફળતા માટે સ્વાસ્થયના પ્રાકૃતિક નિયમોનું પાલન અતિ આવશ્યક છે.
[5] ગૃહત્યાગી = એક આદર્શ વિદ્યાર્થી વિદ્યા મેળવવા માટે ગૃહત્યાગમાં સંતોષ પામે છે. વિદ્યા પ્રાપ્ત કરવી એ તપ કરવા જેવું છે, નહિ કે મોજમસ્તી કરવા જેવું. સુખનો ત્યાગ આવશ્યક છે.
એક છોકરો શેરીની લાઈટના સહારે ભણી રહ્યો હતો. એક પરિચિતે કહ્યું, “ આટલું કષ્ટ ઉઠાવવા કરતાં તો નોકરી કરી લે.” વિદ્યાર્થી બોલ્યો, “ મહાશય! આપ નથી જાણતાં, આ મારી સાધનાનો, કસોટીનો ન આવે તો આવી તક ફરી ક્યારે મળશે ?” આવો ઉત્તર આપનાર વિદ્યાર્થી હતા મહાન શિક્ષણશાસ્ત્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર.
દરેક વિદ્યાર્થી એ એવો અનુભવ જોઈએ કે તે એક એવા સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે, જે તેના ભાગ્ય અને ભવિષ્યનિર્માણ કરવાની નિર્ણાયક ભૂમિકા ભજવશે. વ્યક્તિની સમગ્ર ગરિમા તેના ગુણ-કર્મ-સ્વભાવ પર નિર્ભય છે. શું બાહ્ય કે શું આંતરિક, બંને ક્ષેત્રોની પ્રગતિ એ વાત પર નિર્ભર છે કે કોઈનું વ્યક્તિત્વ ક્યા સ્તરનું છે. ધન, વિદ્યા, સન્માન, પદ, સ્વાસ્થ્ય, મિત્રતા, ફક્ત તેમને જ મળે છે, જેમણે પોતાનું વ્યક્તિત્વ, ગુણ, કર્મ સ્વભાવ યોગ્ય ઢંગથી ઢાળ્યાં હોય અને વિનિર્મિત કર્યાં હોય.
આ દિવસોમાં શ્રેષ્ઠ વિચાર, સદભાવનાઓ અને સત્પ્રવૃતિઓનો અભ્યાસ કરવામાં આવતો રહે તો નો પ્રભાવ જીવનભર રહે છે અને સુખશાંતિની સંભાવનાઓનો સાકાર થાય છે. આ દિવસોમાં જોશ વધારે અને હોશ ઓછો હોવાને કારણે અવાંછનીય પ્રવૃત્તિઓમાં વધારે આકર્ષણ-મનોરંજન અનુભવાય છે અને મનોવૃતિઓ પાણીની જેમ નીચેની તરફ ઝડપથી પડતી જાય છે અને જીવનભર પીછો છોડતી નથી. કહેવું નહિ પડે કે એવી વ્યક્તિ શોક-સંતાપભરી પરિસ્થિતિતો ઉત્પન્ન કરતી અભિશાપ જેવું નારાકીય જીવન જીવે છે.
આ દિવસોમાં મિત્રોનું આકર્ષણ તેની ચરમસીમાએ રહે છે. સારો સાથી મળે તો વિકાસ અને પ્રસન્નતાની વૃદ્ધિમાં સહાયતા જ મળે છે. પ્રત્યેક સમજદાર વિદ્યાર્થીનું કર્તવ્ય છે કે મિત્રતા કરતાં પહેલાં હજાર વખત વિચારે. ક્યાંક મિત્રતાના બહાને તેને રખડપટ્ટી તરફ તો નથી ઢસડવામાં આવતો ને, જેનાથી તે શિક્ષણથી વંચિત રહી જાય., સ્વાસ્થ્ય ગુમાવી દે, સ્વભાવ બગાડી બેસે અને સન્માન તથા વિશ્વાસ ગુમાવી બેસે. કુસંગથી ખૂબ સાવધાન રહો. સચ્ચરિત્ર મિત્રો, પુસ્તકો અને સર્વશક્તિમાન પરમાત્માનો જ સંગ કરો. સદ્દવિચારોની નોટબુક બનાવો. જ્યારે પણ કોઈ સારી વાત વાંચો, સાંભળો તો નોંધી લો. સમયાંતરે તે દોહરાવો. આદર્શ વ્યક્તિઓનું, મહાપુરુષોનું ધ્યાન અને તેમના ચરિત્રનું ચિંતન-મનન કરો.
એરિસ્ટ્રાયસને ધાર્મિક વિષયોમાં ખૂબ રુચિ હતી, એટલે તેના આગ્રહથી તેના પિતાએ તેને જીનોની પાઠશાળામાં મોકલ્યો. જ્યારે તે પાછો આવ્યો, તો પિતાએ પૂછ્યું,-‘ ત્યાં શું શીખ્યું ?’ તેણે જવાબ આપ્યો-‘પછીથી ખબર પડી જશે.’ એક દિવસ કોઈ બાબત પર ગુસ્સે થઈને પિતાએ તેને ખૂબ માર્યો. તેણે કોઈ પ્રતિકાર ન કર્યો. ન કોઈ ઉત્તર આપ્યો. માર ખાધા પછી ફરીથી એકાગ્ર થઈને પોતાના કામમાં લાગી ગયો. અ આત્મહત્યાની ધમકી આપી, અ ઘરેથી ભાગી જવાની. પિતાનું હ્રદય ભરાઈ આવ્યું. તેણે પુત્રની માફી માંગી, ત્યારે એરિસ્ટ્રાયસે કહ્યું – ‘પિતાજી મને મારા ગુરુએ નૈતિકતા, સદાચાર, સહિષ્ણુતા અને ધ્યેયનિષ્ઠા શીખવ્યાં છે. મે તેનું જ પાલન કર્યું.’ પિતાનું હ્રદય એવા શિક્ષણ પ્રત્યે કૃતજ્ઞતાથી ભરાઈ આવ્યું.
સ્વાસ્થ્ય સંરક્ષણ માટે આ સમય સૌથી વધુ યોગ્ય છે. પ્રાકૃતિક નિયમો, આહાર-વિહાર, સૂવા-જાગવાનું વગેરે બાબતોનું જો યોગ્ય ધ્યાન રાખવામાં આવે તો તંદુરસ્તી એવી બની જશે જે જીવનભર સાથ આપે. સ્વાસ્થ્ય એ જીવનની સૌથી પહેલી આવશ્યકતા છે. એક સ્વસ્થ વ્યક્તિ જ જીવનનો આનંદ લઈ શકે છે:ત્યાગ, તપસ્યા, મહેનત કરી શકે છે. આ દિવસોમાં બ્રહ્મચર્ય અને સદ્દવિચારો વિશે પૂરેપૂરી સતકર્તા રાખવામાં આવે અને સાપ, વીંછી, આગ, ઝેરથી બચવામાં આવે છે તેમ અશ્લીલ પરિસ્થિતિથી બચવામાં આવે. ગંદાં પિકચરો, ગંદાં ગીતો, ગંદી નવલકથાઓ, ગંદાં ચિત્રો, ગંદાં વિચાર ઘૃણાજનક કાર્યોની પ્રેરણા આપે છે તથા શરીર અને મસ્તિષ્કને ખોખલાં કરી નાંખે છે.
સાહસ સારો ગુણ છે. અનીતિનો વિરોધ કરવાની પણ હિંમત હોવી જોઈએ. સર્જન અને વિકાસની સંભાવનાઓ સજ્જનોચિત પ્રવૃત્તિઓમાં સમાયેલી છે. અવજ્ઞા, ઉચ્છૃંખલતા, અશિષ્ટતા, અનુશાસનહીનતા, મર્યાદાઓ અને નાગરિક કર્તવ્યોનું ઉલ્લંઘન સાહસિકતાઓની ભયંકર વિકૃતિઓ છે, જેનાથી બીજાને ચોટ તો પહોંચે જ છે, પોતાનો સ્વભાવ પણ હલકો બની જાય છે.
મોટે ભાગે અકુશળ વિદ્યાર્થીઓ જ અનુશાસનહીન જોવા મળતા હોય છે. વાંચવા-ભણવા તેનું મન લાગતું નથી. સારા વિદ્યાર્થીઓનાં લક્ષણોથી રહિત હોવાના કારણે ગુરુજનો પ્રત્યે શ્રદ્ધા હોતી નથી. શ્રેણી, શ્રેય, કે પ્રશંસાને યોગ્ય હોતા નથી. આગામી જીવનની જવાબદારીથી બેખબર રહે છે, જીવનનું કોઈ વિશેષ લક્ષ્ય હોતું નથી. આ પ્રકારની માનસિક શૂન્યતાઓમાંથી જન્મેલી હીનભાવનાઓ દબાવવા માટે અકુશળ અને અયોગ્ય વિદ્યાર્થી અનુશાસન હીનતાને શાન સમજવાં માંડે છે. એવા વિદ્યાર્થી વિદ્યા પ્રાપ્ત કરવા માટે વિદ્યાલયો, મહાવિદ્યાલયો ભણવા નથી આવતા, પરંતુ કોલેજ જીવનની ફેશન પરસ્તીમાં પોતાનું જીવન તથા વાલીઓના રૂપિયા બરબાદ કરવા માટે આવે છે. જે વિદ્યાર્થીઓનાં લક્ષણો ભણવાનાં હોય છે, તેઓ ભણવા સિવાય નકામી જંજાળમાં પડતાં નથી.
પિતા એટલાં ગરીબ હતાં કે બાળકોની ફી ભરવાનું પણ મુશ્કેલ હતું અને છોકરો એટલો લગનશીલ અને પરિશ્રમી હતો કે સ્કૂલમાં ભણવા સાથે તેણે ક્લાર્કની નોકરી પણ કરી અને દર મહિને સાત રૂપિયા બચાવ્યા પણ ખરા. કેનેડાના નાયી પરિવારમાં જન્મેલો ટાકસન નામનો આ છોકરો લગન, દ્રઢ નિશ્ચય અને પરિશ્રમને કારણે 128 સમાચારપત્રો અને પત્રિકાઓ, 15 રેડિયો અને ટેલિવિઝન સ્ટેશનો, 150 વેપારી ટેકનિકલ પત્રિકાઓ, બે પ્રકાશન સંસ્થાઓ, બે પ્રવાસ એજંસીઓનો માલિક બન્યો.
આત્મનિર્ભરતા, બીજાની સહાયતા, ધર્મનો સદુપયોગ, સમયનું સુનિયોજન અને સદુપયોગ, માનસિક સંતુલન, સત્સાહિત્યનો સ્વાધ્યાય, કઠિન પરિશ્રમ, દ્રઢ સંકલ્પ, સ્વચ્છતા, સુવ્યવસ્થા, સુસંગિત, સકારાત્મક વિચાર, સ્વ્સ્થ જીવન, શાલીનતા, સજ્જનતા, હસતું મુખ, શિષ્ટ અને વિનમ્ર વ્યવહાર યુવાવસ્થાને અલંકૃત કરનારા સદ્દગુણો છે. અર્થ ઉપાર્જનનો અભ્યાસ નવયુવક જો કરવા લાગે તો તેની અંદર એવી વિશેષતાઓ ઉદ્દભવતી જશે, જેનાં દ્વારા તેનું ભવિષ્ય, સોનેરી અને શાનદાર બની જશે.
|
|
|


Recent Comments